આગાહી:કાલે અને પરમદિવસે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, બે દિવસ આખું રાજ્ય ઓરેન્જ એલર્ટ પર

છેલ્લા બે દિવસથી અમદાવાદ અને સુરત સહિત ગુજરાતના સંખ્યાબંધ ભાગોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. આજે બપોરના સમયે થોડોક ઉઘાડ નિકળ્યો હતો, પરંતુ વરસાદની ધડબડાટીનો રાઉન્ડ હજી પૂરો નથી થયો. ભારતીય હવામાન વિભાગની (આઈએમડી) આગાહી અનુસાર આગામી 22-23 ઓગસ્ટ એટલે કે શનિ-રવિના રોજ ગુજરાતમાં ધમધમાઈને વરસાદ પડવાનો છે. હાલના તબક્કે પૂર્વ મધ્યપ્રદેશ તથા ઉત્તર છત્તીસગઢના આકાશમાં સુવ્યવસ્થિત લો-પ્રેશર સર્જાયું છે અને તે આગામી દિવસોમાં મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગ તરફ પ્રયાણ કરે તેવી શક્યતા છે. આઈએમડીએ આ કારણસર જ આખા ગુજરાત રાજ્યને આ બે દિવસ ઓરેન્જ એલર્ટ પર રાખ્યું છે.

બે દિવસ ભારેથી અતિભારે વરસાદથી ફરી પૂર જેવી સ્થિતિની ભીતિ
આ હવામાનની સ્થિતિને જોતાં આગામી રવિવાર ને 23 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારો તેમજ પાડોશના મધ્યપ્રદેશ તથા દક્ષિણ રાજસ્થાનના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તેમાં પણ શનિવાર અને રવિવારે ગુજરાતનો તો વારો જ પડી જશે અને ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે, એવું હવામાન વિભાગની આગાહીમાં જણાવાયું છે. આ આગાહીના આધારે આઈએમડી દ્વારા ગુજરાતના તમામ વિસ્તારો સહિત આખા રાજ્યને શનિવાર અને રવિવારે ઓરેન્જ એલર્ટ પર રાખ્યું છે.

આખા ગુજરાતમાં શનિવારે ઓરેન્જ- રવિવારે રેડ વોર્નિંગ માટે તંત્ર સાબદું
હવામાન વિભાગની યાદી અનુસાર ગુજરાતના ઉત્તર, મધ્ય તથા દક્ષિણના વિસ્તારો ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોને પણ ભારેથી અતિભારે વરસાદ માટે તૈયાર રહેવા તાકીદ કરાઈ છે. એટલું જ નહીં, શનિવારે સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ જશે તો બપોર સુધીમાં એલર્ટનું લેવલ વધીને રેડ વોર્નિંગ સાઈન સુધી પણ પહોંચી શકે છે. રેડ એલર્ટની સ્થિતિમાં લોકોને અતિભારે વરસાદ સામે રક્ષણ માટે તકેદારીના પૂરતાં પગલાં ભરવા માટે તાકીદ કરાય છે.

બંને દિવસ ભારે વરસાદ માટે પૂરતી તૈયારી કરવા લોકોને પણ સૂચના
ગુજરાત રાજ્યની વાત કરીએ તો શનિવારે રેડ વોર્નિંગ હેઠળ ઉત્તરના અરવલ્લી, મધ્યના મહિસાગર, સુરેન્દ્રનગર તથા સૌરાષ્ટ્રમાં દીવ કેન્દ્રશાસિત પ્રદેશના વિસ્તારો આવી શકે છે. જ્યારે અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે રવિવાર માટે બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, કચ્છ અને દીવમાં રેટ એલર્ટ જ્યારે અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, જામનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

નર્મદા-તાપી-દમણગંગા-મહીના ઉપરવાસમાં પણ ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત નર્મદા, તાપી, દમણગંગા અને મહી નદીરના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે આગામી 3-4 દિવસ માટે આ નદીઓમાં ભારે પૂર આવવાની પણ સેન્ટ્રલ વોટર કમિશન(CWC)દ્વારા આગાહી કરાઈ છે.ઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં અત્યારસુધીમાં 683.4 મિમિ જેટલો સરેરાશ વરસાદ પડ્યો છે જે 1 જૂનથી 21 ઓગસ્ટની લાંબાગાળાની 520 મિમિની સરેરાશ કરતા 31 ટકા જેટલો વધુ છે.

Comments