ડિજિટલ મીડિયા પર લગામ:'આ મીડિયાની સ્વતંત્રતા પર તરાપ નથી', ન્યુઝ પોર્ટલ, OTT પ્લેટફોર્મને I&B મંત્રાલય હેઠળ લાવવાના આદેશ વિશે સરકારની ચોખવટ

  • સરકારે બુધવારે આ બાબતે જાહેરનામું બહાર પાડ્યું હતું
  • આડેધડ વધી રહેલા ઓનલાઈન સમાચારના પોર્ટલ પર લગામ લાગશે
  • સરકારે બુધવારે એક મોટો નિર્ણય લીધો છે. તેના અંતર્ગત હવે ઓનલાઈન સમાચાર પોર્ટલ અને કન્ટેન્ટ પ્રોવાઇડર્સ હવે માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ લાવવામાં આવશે. સરકારે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ નિર્ણયથી દેશમાં આડેધડ વધી રહેલા ઓનલાઈન સમાચાર પોર્ટલ પર લગામ કસવામાં તો આવશે સાથે ખોટી માહિતીને રોકવામાં પણ મદદ મળશે.
  • ટીવી કરતા વધારે જરૂરી ઓનલાઈન રેગ્યુલેશન
    કેન્દ્ર સરકારે અગાઉ સુપ્રીમ કોર્ટના એક કેસમાં દલીલ કરતા કહ્યું હતું કે, ટીવી કરતા ઓનલાઈન માધ્યમનું રેગ્યુલેશન વધારે જરૂરી છે. હવે સરકારે ઓનલાઈન માધ્યમો દ્વારા ન્યૂઝ અથવા કન્ટેન્ટ આપતા માધ્યમને મંત્રાલય હેઠળ લાવવાનું પગલું ભર્યું છે. ઓનલાઈન કન્ટેન્ટ અથવા સમાચાર પોર્ટલ પર અત્યારે કોઈ પ્રતિબંધ નથી. હંમેશાં આ બાબતે કોર્ટ અને સરકારની વચ્ચે દલીલો થતી રહે છે.

મીડિયાની સ્વતંત્રતા પર પ્રતિબંધ નથી
ગયા વર્ષે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, સરકારે એવા કોઈ પગલા લેશે નહીં, જેનાથી મીડિયાની સ્વતંત્રતાને અસર થાય. પ્રેસ કાઉન્સિંલ પ્રિન્ટ મીડિયાના રેગ્યુલેશન, ન્યૂઝ ચેનલો માટે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન અને એડવર્ટાઇઝિંગ માટે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિંલ ઓફ ઈન્ડિયા છે. તેમજ ફિલ્મો માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન છે.પરંતુ ઓનલાઈન માટે કોઈપણ રેગ્યુલેશન નથી. ​​​​​​​

ખોટા સમાચારો પર લગામ લાગશે
આ નવા નિર્ણયથી હવે કોઈપણ પુરાવા વગર અને ખોટા સમાચારો આપતા ઓનલાઈન પોર્ટલ પર લગામ કસવામાં આવશે. તેનાથી કાનૂન વ્યવસ્થા અને વિશ્વસનીયતા પણ વધશે. કેમ કે, ઘણા કેસમાં દેશમાં ઓનલાઈન પોર્ટલ દ્વારા આપવામાં આવતી સામગ્રીથી ગુનાઓ અથવા તોફાનોને પ્રોત્સાહન મળે છે. જો કે, તમામ રાજ્યોના પોલીસ વિભાગની સાઈબર બ્રાંચ તેના પર ધ્યાન રાખે છે, પરંતુ તેના માટે કોઈ રેગ્યુલેશન ન હોવાથી ઘણી વખત લોકો તેમાંથી છટકી જાય છે.

Comments