શિક્ષણ અનલોક કરવા તૈયારી:ધો.9થી 12 અને કોલેજો દિવાળી બાદ શરૂ કરવા બેઠક, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે કહ્યું, મે મહિનામાં બોર્ડની પરીક્ષા, બે-ત્રણ દિવસમાં SOP તૈયાર થઈ જશે

કોરાનાને કારણે રાજ્યમાં 7 મહિના કરતાં વધુ સમયથી પ્રાથમિકથી લઈ કોલેજો સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ છે, પરંતુ ગુજરાત સરકાર હવે શૈક્ષણિક કાર્ય શરૂ કરાવવાની તૈયારીઓમાં લાગી ગઈ છે, જેને પગલે શિક્ષણ વિભાગે દિવાળી પછી કોલેજો અને ધોરણ 9થી 12 શરૂ કરવા અંગેની ચર્ચા કરવા તમામ યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં કોવિડ-19 માટેની નવી ગાઈડલાઈન્સ નક્કી કરવામાં આવશે, એ જોતાં દિવાળી બાદ પહેલા કોલેજો શરૂ થાય એવી શક્યતાઓ છે. એ પછી તબક્કાવાર સ્કૂલો શરૂ કરાશે, પણ એ પહેલાં સ્કૂલ-સંચાલકો અને શિક્ષણ અધિકારી અને આરોગ્ય વિભાગ સાથે બેઠકો કરશે. શિક્ષણ વિભાગનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ, સ્કૂલો ડિસેમ્બર બાદ શરૂ થઈ શકે છે, પણ કોલેજોના મામલે દિવાળી બાદ નિર્ણય થઈ શકે છે, જ્યારે સ્કૂલો ખૂલવા મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે મે મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાશે, સ્કૂલો ખોલવા અંગે SOP તૈયાર કરવા સૂચના આપી છે.


આગામી બે-ત્રણ દિવસમાં SOP બનાવી દેવાશે
મંત્રી ચુડાસમાએ ઉમેર્યું કે, રાજ્યમાં શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે મળેલ રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં યોગ્ય ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ સંદર્ભે SOP બનાવવા માટે સુચના આપી હતી. જેના અનુસંધાને આજે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે અને SOP બનાવવા માટેની સુચના આપી દેવાઇ છે જે આગામી બે-ત્રણ દિવસમાં બનાવી દેવાશે. વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો સાથે પણ ઓનલાઇન ચર્ચા વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય કરાશે.
SOP તૈયાર થયા બાદ સ્કૂલ-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે નિર્ણય
શિક્ષણ મંત્રીએ આગળ કહ્યું કે, ધોરણ 9 થી 12માં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે પણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક SOP બનાવવા માટે પણ સુચનાઓ આપી દેવાઇ છે. SOP તૈયાર થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય ક્યારથી શરૂ કરવું એ અંગે યોગ્ય નિર્ણય કરશે.

Comments