એરપોર્ટનું ખાનગીકરણ:આજથી અમદાવાદ એરપોર્ટની કમાન અદાણી ગ્રુપના હાથમાં, એરપોર્ટ બહાર ગ્રુપના બેનર્સ, હોડિંગ અને એન્ટ્રી ગેટ લાગ્યાં


આજથી(7 નવેમ્બર 2020) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવશે. એરપોર્ટના ખાનગીકરણ માટેની દસ્તાવેજોની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. જેના પગલે એરપોર્ટની આસપાસ તેમજ અન્ય સ્થળો પર અદાણી ગ્રુપના બેરીકેટ્સ ,એન્ટ્રી ગેટ, એકઝીટ ગેટ સહિતના બોર્ડ લાગવવામાં આવ્યા છે. આજથી લઈ આગામી 50 વર્ષ સુધી અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવશે. ટર્મિનલનું ઓપરેશન તેમજ એરપોર્ટના ડેવલોપમેન્ટની કામગીરી અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવશે. સાથે જ કંપની દ્વારા સ્ટાફને ટ્રેનિંગ આપવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, આ પહેલા અદાણી ગ્રુપને લખનઉ એરપોર્ટનું સંચાલન સંભાળવા આપ્યું હતું. સાથે ગ્રુપ મુંબઈના એરપોર્ટની કામગીરી સંભાળે છે. એટલે કે હવે અદાણી ગ્રુપ પાસે દેશના ત્રણ એરપોર્ટનું સંચાલન સોપવામાં આવ્યું છે. હવે અદાણી ગ્રૂપની કંપની અદાણી અમદાવાદ ઈન્ટનરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એએઆઈએએલ) તમામ ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ 7 (આજથી) નવેમ્બરથી 50 વર્ષ માટે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ હસ્તગત કરશે. અદાણી દ્વારા એરપોર્ટનું સંચાલન અને વિકાસ કરાશે, જેમાં ટર્મિનલમાં પેસેન્જર સુવિધાઓ વધારવાની સાથે રનવે પર ટેક્સી વે, પાર્કિંગ, ટર્મિનલની બહાર પેસેન્જરો માટે પાર્કિંગ, બેસવાની સુવિધા, પીકઅપ એન્ડ ડ્રોપ જેવી સુવિધાઓ વધારાશે. જો કે આ તમામ સુવિધાઓ વધાર્યા બાદ અદાણી ગ્રૂપ દ્વારા પેસેન્જરો પાસેથી સુવિધા ચાર્જ વસૂલાય તેવી શક્યતાને પગલે અમદાવાદથી ઊપડતી ફ્લાઈટના ભાડામાં પણ વધારો થવાની શક્યતા છે. આ અંગે અદાણી ગ્રૂપના કમ્યુનિકેશન હેડ રોય પોલે હાલ કશું કહેવાનો ઇનકાર કરતા 7 તારીખે થનાર હસ્તાંતરણ બાદ જ આ વિશે જરૂરી જાહેરાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

એરપોર્ટ ઓથોરિટીના કર્મીઓ 3 વર્ષ સાથે કામ કરશે
એરપોર્ટ પર કામ કરતા એર ટ્રાફિક કંટ્રોલ અને કમ્યુનિકેશન વિભાગ સિવાયના એરપોર્ટ ઓથોરિટીના 180થી વધુ કર્મચારીઓ ત્રણ વર્ષ સુધી અદાણી ગ્રૂપ સાથે કામ કરશે. એક વર્ષ સુધી તેઓ સાથે અને બીજા બે વર્ષ માટે ડેપ્યુટેશન પર અદાણી સાથે જોડાઈ એરપોર્ટ માટે કામગીરી કરશે. જ્યારે ત્રણ વર્ષ બાદ અદાણીના કર્મચારીઓ સ્વતંત્ર રીતે એરપોર્ટનું સંચાલન કરશે.

Comments