કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાકિસ્તાન સરહદ નજીક બોલ્યા, આજે BSFના જવાનો દુનિયાની સૌથી મોટી તાકાત સામે છાતી કાઢીને જવાબ આપવા સક્ષમ

  • ધોરડોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પાટણ, બનાસકાંઠા અને ભુજના સરપંચો સાથે સંવાદ
  • અમિત શાહનું બુધવારે મોડી રાતે BSFના વિશેષ વિમાનમાં ભુજ પહોંચ્યા, ઉમેદભવનમાં રાત્રિ રોકાણ કર્યું
  • કેન્દ્રીય ગૃહમંત્રી માતાના મઢમાં દેશ દેવીનાં દર્શને જશે, પણ કોટેશ્વર અને ક્રિકની મુલાકાત નહીં લે

ધોરડોમાં સફેદ રણમાં પાકિસ્તાન સરહદ નજીક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છના વિકાસની વાત કરી હતી. તેમણે અગાઉ સીમાઓ પર થતાં હુમલાને લઈને પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે દેશના જવાનો દુશ્મનોને જડબાતોડ જડબાતોડ જવાબ આપે છે. એટલું જ નહીં દુશ્મનોના ઘરમાં ઘૂસીને મારે છે. દેશની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે છેવાડાના ગામોનો વિકાસ કરીશું. સરહદના ગ્રામજનો પલાયન ના થાય, સરહદ પર વસેલા ગામોનો વિકાસ જરૂરી છે.શાહે જણાવ્યું હતું કે, જ્યાં પણ દેશની સરહદો છે ત્યાં દરેક જગ્યાએ સીમાંત વિકાસોત્સવ કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો છે. આજે આપણા બીએસએફના જવાનો પણ દુનિયાની સૌથી મોટી તાકાત સામે આંખોમાં આંખો નાખીને છાતી કાઢીને જવાબ આપવા સક્ષમ છે, તેઓ અધિકૃત છે અને આપી પણ રહ્યા છે.

મોદીના કાર્યકાળમાં કચ્છનો વિકાસ થયો
ત્રણ જિલ્લાના સરપંચોને સંબોધન કરતાંઅમિત શાહે દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને નવા વર્ષે કોરોના સામે લડવાનો સંકલ્પ લેવા કહ્યું હતું. મોદીજીના કાર્યકાળમાં કચ્છ અને ભુજનો વિકાસ થયો છે. વિકાસ થવાથી કચ્છની સરહદ પણ વધુ સુરક્ષિત બની છે. આજે ભુજમાં પોસ્ટિંગ મળવી સારી બાબત છે, પહેલા ભુજમાં બદલી થતી તો સજા માનવામાં આવતી હતી. હવે ભુજમાં બદલી કરવા માટે લાઇનો લાગે છે. કચ્છનો વિકાસ જોઇને આનંદ થયો. ભુજમાં કૃષિ વિકાસનું કોઇ વિચારતુ ન હતું, સરહદના સરપંચોમાં સરહદી સુરક્ષાની જાગૃતતા જરૂરી છે.


અમિત શાહના આજના કાર્યક્રમો
સવારે 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ધોરડો ખાતે સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમ અન્વયે કચ્છ, બનાસકાંઠા અને પાટણના સરપંચો સાથે સંવાદ કરશે. ત્યાર બાદ 3.30 કલાકે માતાના મઢ પહોંચશે, જ્યાં 3.45થી 4.15 વાગ્યા સુધી આશાપુરા માતાજીની પૂજા કરશે. 4.30 કલાકે માતાના મઢ હેલિપેડથી બી.એસ.એફ. હેલિકોપ્ટરમાં ઉડાન ભરી ભુજ એરપોર્ટ પહોંચશે. ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યે કલેક્ટર ઓફિસમાં કોન્ફરન્સ હોલમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. જેમાં સરકારના મંત્રીઓ, BSFના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદતેઓ ભુજથી સીધા અમદાવાદ જવા રવાના થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે કચ્છ આવ્યા બાદ પણ તેઓ સરહદી વિસ્તાર, જેમ કે ક્રિક વગેરેની મુલાકાતે જશે નહીં.



Comments