સરકારી કર્મચારીઓને દિવાળી:રાજ્યના વર્ગ 4 કર્મીઓને દિવાળી પહેલા રૂ 3500 બોનસ મળશે, 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ સરકાર ચૂકવશે: નીતિન પટેલ



રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ માટે દિવાળી પહેલા મહત્વની જાહેરાત કરી છે. રાજ્યના સરકારી કર્મચારીઓને 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. વર્ગ 4ના 30 હજાર કર્મચારીઓને રૂ. 3500 લેખે મોંઘવારી ભથ્થું ચૂકવાશે. કર્મચારીઓને મોંઘવારી ભથ્થા ચૂકવાતા રાજ્યની તિજોરી પર રૂ 464 કરોડનો બોજ પડશે.

કર્મચારીઓને બોનસ આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને રૂ. 3500ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના કર્મચારીઓ, બિન-સરકારી શાળાઓ અને કોલેજોના કર્મચારીઓ તથા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-4ના કુલ 30,960 કર્મચારીઓને લાભ મળશે.

Comments