કેન્દ્રિય ગૃહમંત્રીનું આગમન:અમિત શાહનું મોડી રાતે વિમાનમાં ભુજમાં આગમન, કેન્દ્રિય ગૃહમંત્રી માતાના મઢમાં દેશદેવીના દર્શને જશે પણ કોટેશ્વર અને ક્રિકની મુલાકાત નહી લે 1500 સરપંચો સાથે સંવાદ કરશે
કચ્છની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ક્રિક વિસ્તારની મુલાકાત નહીં લે. ગુરુવારે ધોરડોમાં કચ્છ, બનાસકાંઠા અને પાટણના સરપંચોને સંબોધ્યા બાદ દેશદેવી મા આશાપુરાના દર્શન કરી અમદાવાદ પરત ફરશે.બુધવારના મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બી.એસ.એફ. હેલીકોપ્ટરથી ભુજ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ સર્કિટ હાઉસ, ઉમેદભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. ગુરુવારે સવારે 10.10 કલાકે ઉમેદ ભવનથી ભુજ એરપોર્ટ જવા રવાના થશે. 10.15 કલાકે હેલીકોપ્ટરથી ઉડાન ભર્યા બાદ 10.45 કલાકે ધોરડો હેલીપેડ પર ઉતરાણ કરશે.
11થી 2 વાગ્યા દરમ્યાન ધોરડો ખાતે સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમ અન્વયે કચ્છ, બનાસકાંઠા અને પાટણના સરપંચો સાથે સંવાદ કરી, પ્રેરક માર્ગદર્શન આપશે. ત્યારબાદ 3.30 કલાકે માતાના મઢ પહોંચશે. જયાં 3.45થી 4.15 વાગ્યા સુધી આશાપુરા માતાજીની પૂજા કરશે. 4.30 કલાકે માતાના મઢ હેલીપેડથી બી.એસ.એફ. હેલીકોપ્ટરમાં ઉડાન ભરી ભુજ એરપોર્ટ આવ્યા બાદ અમદાવાદ જવા રવાના થશે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે કચ્છ આવ્યા બાદ પણ તેઓ સરહદી વિસ્તાર જેમ કે, ક્રિક વગેરેની મુલાકાતે જશે નહીં.
ધોરડો ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગ્રામીણ વિકાસ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયત રાજમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણ આહીર ઉપસ્થિત રહેશે.
સરહદી વિસ્તારને સ્પર્શતા પ્રશ્નો અંગે આજે ધોરડોમાં પરામર્શ થશે
ધોરડોના કાર્યક્રમમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા-વિચારણા કરાશે. કાર્યક્રમના પ્રારંભે મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા સ્વાગત પ્રવચન અને બી.એસ.એફ.ના અધિકારીઓ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરાશે. ઉપરાંત સરપંચો પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કરશે. ત્યારબાદ કેન્દ્રિય ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્રસિંહ તોમર, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉદબોધન કરશે. કાર્યક્રમ દરમ્યાન હોમ મિનિસ્ટર્સ સ્પેશ્યલ ઓપરેશન મેડલ મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે.
Comments
Post a Comment