સ્પષ્ટતા:રાજ્યમાં લગ્નપ્રસંગો માટે પોલીસ વિભાગની કોઈપણ પ્રકારની મંજુરીની જરૂર નથી, કોઈ પણ સમારંભનું 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહશે

  • કોરોનાના સંક્રમણને રોકવા માટે તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્યપ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ રહેશે
  • સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક તથા સેનીટાઇઝર સહીતની વ્યવસ્થા કરવાની રહેશે.

રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થવાથી લગ્ન કે અન્ય સત્કાર સમારંભોમાં 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મંજુરી મેળવવા માટે લોકોની લાઈનો લાગતાં હવે પોલીસની કોઈ મંજુરીની આવશ્યક્તા નહીં હોવાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે. રાજ્યના નાગરીકોએ 100 વ્યક્તિની મર્યાદામાં કોઈપણ પ્રકારના સમારંભનું આયોજન કરવાનું રહશે. તેમજ તેમાં તમામ પ્રકારના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે.

પ્રસંગોમાં વરઘોડા પર પ્રતિબંધ રહેશે
પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના નાગરિકો તેમના પ્રસંગો સુયોજીત રીતે યોજી શકે તે માટે રાજ્ય સરકારે જનહિતને ધ્યાને રાખીને તથા કોરોનાનું સંક્રમણ ફેલાય નહી તે માટે ચોક્કસ દિશા નિર્દેશો ચોક્કસ માર્ગદર્શિકા નિયત કરી છે. આવા પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ રહેશે. તેમજ સમારોહના આયોજન માટે સંબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનની કોઇ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેતી નથી. કેટલાક શહેરોમાં સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂ અમલી બનાવાયો છે તેવા સ્થળોએ કોઇપણ પ્રસંગનું આયોજન કરફ્યૂના સમયગાળા દરમ્યાન કરી શકાશે નહી.

માસ્ક તથા સેનિટાઈઝર સહિતની વ્યવસ્થા કરવાની રહેશે
તેમણે ઉમેર્યું કે, લગ્નો કે સત્કાર સમારંભો યોજવામાં આવે ત્યારે કોવિડ-19 સંદર્ભે જે માર્ગદર્શિકા અમલમાં છે તેનો નાગરિકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. સમારંભ દરમ્યાન 6 ફૂટની દૂરી સાથેનું ફિઝીકલ સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક તથા સેનીટાઇઝર સહીતની વ્યવસ્થા કરવાની રહેશે.

Comments