ભાજપમાં કોરોના:ભાજપના પ્રદેશ પ્રમુખ C.R.પાટીલ કોરોના શંકાસ્પદ, એપોલો હોસ્પિટલમાં દાખલ, સંપર્કમાં આવેલા મંત્રી અને કાર્યકરોમાં ફફડાટ

સી.આર.પાટીલની જ્યારથી ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે ત્યારથી તેઓ પ્રવાસ કરી રહ્યા છે. તેમજ મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે સતત મુલાકાતોમાં વ્યસ્ત છે. ખાસ કરી તેમની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિગનો દાટ વાળવામાં આવી રહ્યો હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવતી હતી. જે સાચી પડવા લાગી છે. પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસ કર્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન હાજર રહેલા અનેક નેતાઓ, મંત્રીઓ, ધારસભ્યો, સાંસદો, જિલ્લાના આગેવાનો કોરોના સંક્રમિત થયા છે, ત્યારે આજે સી.આર. પાટીલ નબળાઈ જણાતા એપોલો હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા પહોંચી ગયા હતા. જ્યાં તેમનું સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. તે પછી એન્ટિજન ટેસ્ટ કરાયો હતો, જે નેગેટિવ આવ્યો છે. જો કે આમ છતાં તેમનો RT-PCRનો ટેસ્ટ કરાવ્યો છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. હાલ તેઓ ઓબ્ઝર્વેશનમાં એપોલો હોસ્પિટલમાં દાખલ થયેલા છે. તો બીજી બાજુ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના પોઝિટિવ થતાં તેમને પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Comments