ગુરૂકુળ વિસ્તારના દૂષિત પાણી મુદ્દે રહીશોનો મોરચો ધસી આવ્યો

ગાંધીધામ નગરપાલિકાના ગેરવહીવટને લઇને લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં લોકોને સમસ્યામાંથી પાલિકા મુક્તિ અપાવી શકી નથી. મસમોટા દાવાઓ કરીને પગલા ભરવામાં આવી રહ્યાનું જણાવી લોકોને સંતોષ આપવાનો પાલિકા પ્રયત્ન કરે છે.

પરંતુ સફળ થતા નથી. ગુરૂકુળ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ચોકઅપ થઇ જતાં 17થી વધુ દિવસો સુધી લોકો ગંદા પાણીમાં રહેવા મજબુર બન્યા છે. સેનીટેશન કમીટી ચેરપર્સન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, હવે આ સમસ્યાનો ઉકેલ આવ્યો છે. પરંતુ આજે પણ પરીસ્થિતિ કેટલીક સોસાયટીઓમાં યથાવત રહી છે.

ગટરના દૂષિત પાણી ગુરૂકુળ સહિતના વિસ્તારમાં લોકોના ઘરમાં ભરાયા હતા
બ્લડ બેંક પાસેની લાઇનના સોસાયટી ધારકોએ આજે પાલિકા પ્રમુખને મળીને ઉગ્ર રજૂઆત કરી હતી. શહેરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નબળી પુરવાર થયેલી નગરપાલિકા અગાઉના અનુભવોનો બોધપાઠ લેતી નથી અને લોકોને દર વર્ષે હાડમારીનો સામનો કરવો પડે છે. શહેરમાં પડેલા વરસાદને કારણે ટાગોર રોડ, સુંદરપુરી સહિતની ચાર ગટર લાઇન બેસી ગઇ હતી. જેને લઇને ગટરના દૂષિત પાણી ગુરૂકુળ સહિતના વિસ્તારમાં લોકોના ઘરમાં ભરાયા હતા. નબળી કામગીરીને કારણે આ વિસ્તારના લોકોમાં પાલિકા પ્રત્યે રોષની લાગણી જન્મી હતી. એક નાગરીકે તો તેમના પરીવારને આરોગ્યનો પ્રશ્ન ઉઠાવીને પોલીસની સહાયતા પણ માંગી હતી. આ અંગે અરજી પણ કરી છે પરંતુ ચીફ ઓફિસર સામે કોઇ કાર્યવાહી થઇ નથી. દરમિયાન આજે બપોરના સમયે પાલિકાના પ્રમુખ કાનજીભાઇ ભર્યાને ગુરૂકુળ વિસ્તારના કેટલીક સોસાયટીના રહીશોએ ઉગ્ર રજૂઆત કરી હતી. કેટલીક સોસાયટીના રહીશોએ પ્રમુખને ઉગ્ર રીતે આ સમસ્યામાંથી મુક્તિ આપવા માટે માગણી કરી હતી.

Comments