અનલોક પર અંકુશ:અમદાવાદમાં એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, સિંધુભવન રોડ પરની તમામ દુકાનો રાતે 10 વાગ્યા પછી બંધ રહેશે



શહેરમાં છેલ્લા ઘણા દિવસથી પશ્ચિમ વિસ્તારમાં આવતી એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, બોપલ, સાયન્સસિટી રોડ, ઇસ્કોન વગેરે જગ્યાએ યુવાનો ટોળામાં બેસી રહેતા, જેઓ માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હતા. કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન થતું ન હોવાનું કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું. ખાસ કરીને રાત્રિના સમયે આ તમામ વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવાનો ટોળામાં ભેગા થઈ બેસી રહેતા હતા, જેને લઈને આજે કોરોના માટેના ખાસ અધિકારી ડો. રાજીવ ગુપ્તએ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી શહેરના એસ.જી. હાઇવે, વસ્ત્રાપુર, બોપલ અને સોલાના 27 જેટલા વિસ્તારમાં રાતે 10 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
માત્ર દવાની દુકાનો જ ચાલુ રહેશે
માત્ર દવાની દુકાનો જ ચાલુ રહેશે. આજથી જ આ નિર્ણયનો અમલ કરવા આદેશ કરવામાં આવ્યો છે. યુવાનો દ્વારા ટોળામાં બેસી અને કોરોનાની ગાઈડલાઈન્સના ભંગને અટકાવવા તેમજ તેમના પરિવારમાં બાળકો અને વૃદ્ધોને કોરોના સંક્રમણથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


Comments