અમદાવાદ:7 સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેન શરૂ થશે, પહેલા બે દિવસ સવાર-સાંજ એક કલાક ચાલશે, કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન થશે
કોરોના મહામારીના પગલે થયેલા લોકડાઉન બાદ અનલોક-4માં કેન્દ્ર સરકારે મેટ્રો ટ્રેન શરૂ કરવાની પરવાનગી આપી છે. ત્યારે 7 સપ્ટેમ્બરથી અમદાવાદમાં પણ મેટ્રો ટ્રેન કોરોનાની ગાઈડલાઇન મુજબ શરૂ કરવામાં આવશે. પહેલા બે દિવસ એટલે કે 7 અને 8 સપ્ટેમ્બરે સવારે 11થી 12.10 અને સાંજે 4.25થી 5.10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચાલુ કરવામાં આવશે. તમામ મુસાફરો માસ્ક સાથે પહેરે છે કે નહીં?, સોશિયલ ડિસ્ટન્સ જળવાય છે કે નહીં? અને કોરોનાની તમામ ગાઈડલાઇનનું પાલન થાય છે કે નહીં? તે તપાસ કરવામાં આવશે અને સુધારાત્મક પગલાં લેવામાં આવશે.
13 તારીખે સવારે 7થી સાંજે 7 મેટ્રો દોડશે
9 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. 13 સપ્ટેમ્બરના રોજ NEETની પરીક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયની ભલામણ મુજબ સવારે 7થી સાંજે 7 સુધી મેટ્રો ચાલશે. 14 સપ્ટેમ્બરથી સવારે 11થી સાંજે 5 સુધી મેટ્રો દોડશે.
કોરોનાની તમામ ગાઈડલાઇનનું પાલન થશે
મેટ્રો ટ્રેનમાં માસ્ક વગર પ્રવેશ કરનારને નિયમ મુજબ દંડ ફટકરવામાં આવશે. તમામ મુસાફરોનું થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવશે. તમામ મેટ્રો સ્ટેશન પર પગથી સંચાલિત સેનેટાઈઝરની સુવિધા રાખવામાં આવી છે. સેનેટાઈઝ કરેલા ટોકન મુસાફરોને આપવામાં આવશે. દરેક મુસાફરે આરોગ્ય સેતુ એપ ઉપયોગ કરવી ઇચ્છનિય છે. એક મુસાફરી બાદ આખી મેટ્રો ટ્રેનને સેનેટાઈઝ કરવામાં આવશે. ટ્રેનમાં બે મુસાફરો વચ્ચે એક બેઠક ખાલી રાખવામાં આવશે. તમામ ટીકીટ કાઉન્ટર પર અને પ્લેટફોર્મ પર મુસાફરો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ માટે માર્કિંગ કરવામાં આવ્યું છે.
Comments
Post a Comment