PM મોદી કચ્છમાં:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોરડોથી ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કર્યો,
ભુજ એરફોર્સથી ધોરડો હેલિપેડ પહોંચતા PMનું સ્વાગત કરાયું
ભુજ એરફોર્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, એર કોમોડોર મલુક સિંઘ (વી.એસ.એમ.) ડી.જી.પી. આશિષ ભાટિયા સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. ભુજ એરફોર્સ ખાતે આવીને ત્યાંથી હેલિકોપ્ટરમાં ધોરડો પહોંચ્યા હતા. ભુજ એરફોર્સથી ધોરડો હેલિપેડ ખાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતનાએ સ્વાગત કર્યું હતું. જ્યારે વડાપ્રધાનની સુરક્ષા માટે એસપીજી કાફલો ખડેપગે છે. મોદીના આગમનને પૂર્વે સભાસ્થળે ડોગ-સ્કવોડ દ્વારા સઘન ચેકિંગ કરાયું હતું, જ્યારે દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન વચ્ચે લખપત નરા ખાતે વસતા શીખ ખેડૂતો વડાપ્રધાનને મળવા ધોરડો સભાસ્થળે પહોંચ્યા હતા. જ્યારે ધોરડો જતાં માર્ગો પર પોલીસ દ્વારા આવતાં તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ટેન્ટસિટી ખાતેના ડોમથી 3 પ્રોજેક્ટનાં ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે
પીએમ મોદી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે, જ્યાં ટેન્ટસિટીમાં ઊભા કરાયેલા ડોમમાંથી ગુંદિયાળીમાં આકાર લેનારા ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્ક, સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઊભા કરાનારા બે લાખ લિટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું બપોરે વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. આ ઉપરાંત કચ્છના પ્રગતીશીલ ખેડૂતો અને સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે. ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી તેમજ અધિકારીઓ સાથે સમીક્ષા કરશે.
ટેન્ટસિટી આગતા-સ્વાગતા માટે સજ્જ
પીએમની આગતા-સ્વાગતા માટે તંબુનગરી સજ્જ કરી દેવાઇ હતી. કોઇપણ કચાશ ન રહે એ માટે એને આખરી ટચ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન સંભવત: બપોરનું ભોજન અહીં લે તો તેમને પીરસવાનાં વ્યંજનોની સામગ્રી સહિતની તૈયારી આટોપી દેવાઇ હોવાનું લલ્લુજી એન્ડ સન્સના ફાઇનાન્સ મેનેજર ભાવિકભાઇએ જણાવ્યું હતું.
Comments
Post a Comment