અમદાવાદીઓ ચેતી જજો:હવે માસ્ક વગરના લોકોનાં બહાનાં નહીં ચાલે, પોલીસ સ્થળ પર જ ફોટો પાડી કાર્યવાહી કરશે
- પોલીસ માસ્ક વગરની વ્યક્તિનો ફોટો પાડી JCP દ્વારા બનાવેલા વ્હોટ્સએપ ગ્રુપમાં મોકલશે
- શહેરના તમામ વિસ્તારોમાં સાદા વેશમાં પોલીસ કર્મચારીઓની એક ટીમ કેમેરા સાથે ફરશે
- અમદાવાદમાં પોલીસે 8 મહિનામાં માસ્ક વગરના 2.78 લાખ લોકો સામે કેસ કર્યા અને 14.89 લાખનો દંડ વસૂલ્યો
રાજ્યમાં કોરોનાનો હાહાકાર છે ત્યારે માસ્ક વિના ફરતા લોકોને દંડ કરવા માટે હવે નવી પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં પોલીસની એક ખાસ ટીમ સાદા વેશમાં કેમેરા સાથે તહેનાત હશે. જાહેરમાં બેસતા કે ફરતા માસ્ક વિનાના લોકોનો ફોટો પાડીને સ્થળ પર જ તાત્કાલિક અટકાયત કરવામાં આવશે. સ્પેશિયલ બ્રાન્ચ જેસીપી દ્વારા આ માટે શહેરનાં 50 જેટલા પોલીસ મથકનું એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ ટીમ માસ્ક વિનાના લોકોના ફોટા પાડીને સીધા જ વ્હોટ્સએપ ગ્રુપમાં મૂકશે, જેના આધારે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને માસ્ક વિનાની વ્યક્તિને ઝડપી તેની વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાર્યવાહી કરશે.
પોલીસે વ્હોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું
અમદાવાદમાં સ્પેશિયલ બ્રાંચના એડિશનલ પોલીસ કમિશનર પ્રેમવીર સિંઘે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેમાં જાહેરમાં માસ્ક વિના ફરતા લોકોને ઝડપી પાડવા માટે એક ખાસ ટીમ ઊભી કરવામાં આવી છે. આ ટીમ માસ્ક વિનાના લોકોનો ફોટો પાડીને પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા વ્હોટ્સએપ ગ્રુપમાં મૂકશે. ત્યાર બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને માસ્ક વિના જણાયેલી વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને અટકાયત કરશે.
માસ્ક નહીં પહેરનારને દંડની સાથે કોવિડ સેન્ટરમાં સેવા કરવા મોકલવાના નિર્ણય અંગે સરકારે હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે આ મુદ્દે પ્રેક્ટિકલ અમલ કરવા માટે સરકારે યોગ્ય મિકેનિઝમ ગોઠવવું પડશે. અત્યારે સરકારની સ્થિતિ શેક્સપિયરના હેલ્મેટ નાટકના પ્રિન્સ જેવી છે. ચાર રસ્તે માસ્ક વિના પકડાતા લોકોને કેવી રીતે કોવિડ સેન્ટર મોકલવા એ માટે મિકેનિઝમ ગોઠવવું પડશે. આ સજાને અમલમાં મૂકવી સરકાર માટે પણ કઠિન છે છતાં પણ એક સપ્તાહમાં સ્થિતિ કાબૂમાં આવી જશે એવી શક્યતાઓ હોવાનું સરકારને લાગી રહ્યું છે.
Comments
Post a Comment