ડિમોલેશન:જૂનાગઢનાં ઇતિહાસમાં પ્રથમ વખત બુટલેગર બંધુના ગેરકાયદે ઘર પર ફરી વળ્યું બુલડોઝર
- શહેરના ગાંધીગ્રામ વિસ્તાર પાછળના ભાગમાં સરકારી જમીન પર દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ કરી લીધા હતા
- એસપી, એસડીએમની ઉપસ્થિતીમાં 60 પોલીસ કર્મચારી સાથે કરાઇ કામગીરી
- ડિમોલેશન પહેલાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા, કેટલાકને રાઉન્ડઅપ કર્યા
જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તાર પાછળના ભાગે આવેલ સરકારી જમીનમાં ગાંધીગ્રામના બે બુટલેગર બંધુએ ગેરકાયદેસર રીતે બંગલા બનાવી લીધા હતા. અંદાજે 15 વર્ષ કરતા વધુ લાંબા સયમથી થયેલ ગેરકાયદેસર બાંધકામને સોમવારે તોડી પાડવામાં આવ્યું હતું. શહેરના ગાંધીગ્રામ પાછળના વિસ્તારમાં આવેલ સર્વે નંબર 308 માં શહેરના બુટલેગર રાજુ ડોસા કોડીયાતર અને તેમના ભાઇ સંજય ડોસા કોડીયાતરે બે મકાન ઉભા કરી લીધા હતા.
લાંબા સમયથી થયેલી આ પેશકદમી દૂર કરવા માટે સોમવારે કાર્યવાહી હાથ ધરાઇ હતી. એસપી રવિતેજા વાસમ શેટ્ટી, એસડીએમ અંકિત પન્નુની ઉપસ્થિતીમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ઓપરેશન ડિમોલીશન કામગીરી હાથ ધરાઇ હતી. બે જેસીબીની મદદથી પેશકદમી દૂર કરવાનું શરૂ કરાયું હતું.
પેશકદમી દૂર કરવા સમયે કોઇ બબાલ ન થાય તે માટે પહેલેથી જ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પોલીસ કાફલો ખડકાઇ ગયો હતો જેથી નિર્વિધ્ને કામગીરી થઇ શકી હતી. જોકે, કોઇ બુટલેગર થયેલા ગેરકાયદેસર બાંધકામને તોડવાનો આ શાયદ પહેલો બનાવ હશે. સંજ્ય ડોસા અને રાજુ ડોસા જેવા નામચીન બુટલેગરે બનાવેલા ગેરકાયદેસર બાંધકામ પણ જમીન દોસ્ત કરવામાં આવતા અન્ય પેશકદમી કરનારામાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.દરમિયાન હજુ આતો શરૂઆત હોવાનું અને બાદમાં પણ આવી ડિમોલીશન કામગીરી ચાલુ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
1,550 મિટરમાં પેશકદમી કરાઇ હતી
શહેરના ગાંધીગ્રામ પાછળ આવેલ ગ્રોફેડની પાછળના ભાગમાં સર્વે નંબર 308માં પેશકદમી કરાઇ હતી. અહિં રાજુ ડોસા કોડીયાતર અને ડોસા લખમણ કોડીયાતરે અંદાજે 550 મિટર અને 1,000 મિટર સરકારી જમીનમાં પેશકદમી કરી બે મકાન બનાવી લીધા હતા.
કોર્ટની પરમિશન બાદ કાર્યવાહી
સંજય ડોસા અને તેના પિતાને સપ્ટેમ્બર માસમાં નોટીસ આપવામાં આવી હતી. સરકારી જમીન પર બંગલા બનાવી લીધા હતા. 3 મહિનાની મુદ્દત આપવામાં આવી હતી છત્તાં સરકારી જમીન પરનું દબાણ ખાલી કરતા ન હતા. બાદમાં મામલો કોર્ટમાં જતા કોર્ટે બિલ્ડીંગ ગેરકાયદેસર હોવાનું જણાવી તોડવા માટેની મંજૂરી આપી હતી.આમ, કોર્ટની મંજૂરી બાદ ગેરકાયદેસર દબાણ દૂર કરવા કામગીરી કરાઇ છે. > રવિતેજા વાસમ શેટ્ટી, એસપી
એસપી-કલેક્ટરની આઇડિયોલોજી એક હોય તો લોકોને સો ટકા લાભ થાય
આજે યુપીમાં જે યોગી આદિત્યનાથ પગલાં લે છે એને આપણે બધા અહોભાવથી જોઇએ છીએ, બસ એવુંજ આ કામ કહેવાય. અત્યાર સુધી જૂનાગઢમાં કોઇ એસપીએ આવું કામ કર્યું નથી. એ દૃષ્ટિએ આ કામ સો ટકા પ્રશંસાપાત્ર છે. એસપી જાતે મેદાનમાં ઉતરવાથી પોલીસ ખાતાનું મોરલ પણ ઉંચું આવે. કોઇપણ બે ડિપાર્ટમેન્ટનું કોમ્બિનેશન યોગ્ય હોય ત્યારે તે સારુંજ પરિણામ આપે. જિલ્લામાં કલેક્ટર અને એસપીની આઇડિયોલોજી જ્યારે એકજ હોય ત્યારે પબ્લિકને સો ટકા લાભ થાય. પછી બીજા પોલિટીશ્યનોએ ર્આઘા રહેવું પડે. > સુખદેવસિંહ ઝાલા, ડિવાયએસપી (નિવૃત્ત)
આગળ પણ કાર્યવાહી થતી રહેશે
ગેરકાયદેસર રીતે બાંધકામ કરી સરકારી જમીન પર કરાયેલા દબાણ સામે સપ્ટેમ્બરમાં નોટીસ અપાઇ હતી. તેમ છત્તાં જમીન ખાલી કરવામાં ન આવતા કોર્ટમાં ગયા હતા અને કોર્ટમાંથી મંજૂરી મળતા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી કરાઇ છે. હજુ પણ સર્વે ચાલુ જ છે જેથી આગામી સમયમાં પણ કાર્યવાહી થતી રહેશે. > અંકિત પન્નુ, એસડીએમ
60 થી વધુ પોલીસનો કાફલો હતો
સરકારી જમીન પર થયેલ દબાણ દૂર કરવામાં કોઇ અડચણ ન આવે તે માટે એ,બી, સી, તાલુકા અને ભવનાથ પોલીસ સ્ટાફ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીનો 60 થી વધુ પોલીસ સ્ટાફ તેમજ 7 જેટલા પોલીસ અધિકારીની ઉપસ્થિતી રહી હતી. દરમિયાન રાજુ ડોસા પાસા હેઠળ સુરત જેલમાં છે, સમીર ડોસા પ્રોહિબીશનના કેસમાં રિમાન્ડ પર છે અને સંજય ડોસા હોસ્પિટલમાં સારવારમાં છે. > પ્રદિપસિંહ જાડેજા, ડીવાયએસપી
Comments
Post a Comment