અનોખો વિરોધ:જૂનાગઢ મહિલાઓએ રસ્તામાં ચૂલા રાખી રોટલા બનાવ્યા, પાણીમાં શાક વઘાર્યું


દેશમાં કુદકેને ભૂસકે મોંઘવારી વધી રહી છે જેના પરિણામે સામાન્ય લોકોને જીવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે ભાવ વધારાના વિરોધમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતીના જૂનાગઢ શહેરના કાર્યકારી પ્રમુખ શારદાબેન કથિરીયાની આગેવાનીમાં નવતર વિરોધ કારાયો હતો.

આ તકે મહિલાઓ શહેરના જોષીપરા સ્થિત પાદર ચોકમાં એકઠી થઇ હતી. અહિં મહિલાઓએ રસ્તામાં ચૂલા રાખી રોટલા બનાવ્યા હતા તેમજ પાણીમાં શાક વઘાર્યું હતું. આ તકે શારદાબેન કથિરીયાએ જણાવ્યું હતું કે, ભાવ વધારાના કારણે લોકો રસ્તા પર આવી ગયા છે તે દર્શાવવા અમે જાહેર રસ્તામાં આ કાર્યક્રમ કર્યો છે. ગેસના ભાવ વધતા ચૂલા પર રોટલા બનાવ્યા છે. વળી તેલના ભાવ પણ આસમાને પહોંચતા સામાન્ય લોકોના માટે તેલ દુર્લભ બન્યું હોય તેલના બદલે પાણીમાં શાક વઘાર્યું હતું.

આ સાથે રાંધણ ગેસના બાટલા લઇ થયેલા ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. હાલ પેટ્રોલ, ડિઝલ, રાંઘણ ગેસ, તેલ તેમજ જીવન જરૂરિયાતની તમામ ચિજ વસ્તુના થયેલા ભાવ વધારાનો વિરોધ કરી ભાવ ઘટાડવા માટે માંગ કરાઇ છે. આ તકે ગીતાબેન ગોંડલીયા, વર્ષાબેન લીંબડ સહિતના 10 થી વધુ મહિલા જોડાયા હોવાનું શારદાબેન કથિરીયાએ જણાવ્યું હતું.


Comments