ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈનું 92 વર્ષે નિધન, PM મોદીએ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી, CM અને નાયબ મુખ્યમંત્રીએ અંતિમ દર્શન કર્યાં, સાંજે 5 વાગે રાજકીય સન્માન સાથે અંતિમવિધિ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલની તબિયત એકાએક લથડતાં 10 દિવસ પહેલાં જ તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયત સુધરી જતાં તેમને ડિસ્ચાર્જ કર્યા હતા. પરંતુ આજે એકાએક તબિયત વધુ લથડતાં તેમનું નિધન થયું હતું. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયા બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલીફ ઊભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આજે સાંજે પાંચ કલાકે ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ કરાશે. કેબિનેટ બેઠકમાં શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અંતિમ સંસ્કાર કરાશે.કેશુભાઈની સાંજે 5 વાગ્યે રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવશે અને એક દિવસનો રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીએ કેશુભાઈના અંતિમ દર્શન કર્યાં
મુખ્યમંત્રી રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ નરહરિ અમીન અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કેશુભાઈના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ભાજપે એક મોભી અને પિતામાહ ગુમાવ્યા છે. કેશુભાઈમાં કોઠાસુઝ હતી.
સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર અક્ષયે જણાવ્યું હતું કે કેશુભાઈ પટેલનું નિધન 11:55 કલાકે થયું છે. તેમને ડાયાબિટીસ, હાઈ બીપી જેવી સમસ્યાઓ હતી. સવારે તેમને હોસ્પિટલે લવાયા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બાપાની 30 મિનિટ સુધી સારવાર ચાલી, પરંતુ તેઓ રિકવર ન થઈ શક્યા.
Comments
Post a Comment