નિર્ણય:24 ઓક્ટોબરનાં પીએમનાં હસ્તે ડિજીટલ ઉદ્ઘાટન, જૂનાગઢમાં જાહેરાતનાં 34 મહિના બાદ રોપ-વે તૈયાર




શિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ હવે સાકાર થયો છે. 24 ઓક્ટોબરનાં પીએમ નરેન્દ્રભાઇ મોદી આ પ્રોજેક્ટનું ડિજીટલ ઉદ્ઘાટન કરે તેવી સંભાવના છે. આ તકે ગુજરાતનાં સીએમ વિજયભાઇ રૂપાણી હાજર રહે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. 130 કરોડનો પ્રોજેક્ટ હવે લોકો માટે ખુલ્લો મુકાશે.

ઉદ્ઘાટન થયા બાદ તાત્કાલીક પ્રવાસીઓ જઇ નહીં શકે. આ રોપ-વે થી અંબાજી સુધી માત્ર 8 મિનીટની અંદર પહોંચી શકાશે. આ રોપ-વે માં 8 ટ્રોલી રહેશે. અને 1 કલાકમાં 800 લોકોનું પરિવહન થશે. જોકે, વર્ષ 2017નાં 4 ડિસેમ્બરનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 નવેમ્બર 2018નાં રોપ-વે શરૂ થશે. તેવી જાહેરાત કરી હતી.

આ જાહેરાતનાં 34 મહિના બાદ રોપ-વે પ્રોજેક્ટ સાકાર થયો છે. જૂનાગઢ નહીં પરંતુ સોરઠને એક વિકાસની નવી દિશા અને હાઇટ મળશે. 24 ઓક્ટોબરનાં દિનકર યોજનાનું પણ ઉદ્ઘાટન થવાની શકયતા છે તેની સાથે જ ગિરનાર રોપ-વેનું ઉદ્ઘાટન થાય તેવી શકયતા છે. એક અંદાજ મુજબ ગિરનાર રોપ-વે શરૂ થયા બાદ વર્ષે 40 લાખ યાત્રાળુઓનો વધારો થશે. જેના કારણે જૂનાગઢમાં વાર્ષિક 200 કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે.

ભારતનાં સૌથી મોટા બે રોપ-વે પ્રોજેક્ટ
1.ગિરનાર પર્વત પર 2.13 કિમીનો એશિયાનો સૌથી મોટો રોપ-વે

ગિરનાર પર્વત પર 2.13 કિમીનો લાંબો રોપ-વે તૈયાર થયો છે. જે 23 વર્ષે પૂર્ણ થયો છે.આ રોપ-વેની 800 લોકોની ક્ષમતા છે. 130 કરોડનો ખર્ચ થયો છે. 7.28 મિનીટમાં 2.13 કિમીનું અંતર કાપે છે. આ પર્વત પર રોપ-વે છે.

2. આસામમાં બ્રહ્મપુત્રા નદી પર 1.8 કિમીનો સૌથી લાંબો રોપ-વેે
આસામનાં ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદી ઉપર 1.8 કિમીનો લાંબો રોપ-વે તૈયાર થયો છે. જે 11 વર્ષે પૂર્ણ થયો છે આ રોપ-વેની 30 લોકોની ક્ષમતા છે. 65 કરોડનો ખર્ચ થયો છે. 60 રૂપિયા ભાડુ છે. 8 મિનીટમાં 1.8 કિમીનું અંતર કાપે છે.

ઉષા બ્રેકો દેશમાં 5 રોપ-વેનું સંચાલન કરે છે
ગિરનાર રોપ-વેનું કામ ઉષા બ્રેકો કંપની કરી રહી છે. આ કંપની હાલમાં ભારતમાં માં મનષા દેવી (હરિદ્વાર), માં ચંડી દેવી (હરિદ્વાર), માં મહાકાલી (પાવાગઢ, ગુજરાત), અંબાજી(ગુજરાત) અને માલામપૂઝા ગાર્ડન(પાવઘાટ,કેરળ)માં સંચાલન કરે છે.

ગુજરાતમાં ચોથો રોપ-વે શરૂ થશે
હાલ ગુજરાતમાં ત્રણ રોપ-વે કાર્યરત છે. 1986થી પાવાગઢ, 1998થી અંબાજી અને શાપુતારામાં પ્રાઇવેટ રોપ-વે છે. ગિરનાર રોપ-વે એ ગુજરાતનો સૌથી લાંબો અને ચોથો રોપ-વે પ્રોજેક્ટ બની રહેશે.

9 કરોડનો પ્રોજેક્ટ 130 કરોડે પૂર્ણ
ગિરનાર રોપ-વે પ્રોજેક્ટની શરૂઆતમાં ખર્ચનો અંદાજ 9 કરોડ આંકવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રોજેક્ટ અનેક વિવાદોમાં આવતા ખુબ મોડુ થયું છે. બાદ હાલ આ યોજના માટે અંદાજે 130 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જોકે, હજુ યાત્રિકો માટે ટિકીટનાં દર કેટલા રહેશે ? તે નક્કી થયુ નથી, જે આગામી દિવસોમાં નક્કી થશે...

રોપ-વે ને જાણો...

5 અને 6 નંબરનાં ટાવર વચ્ચે 1 કિ.મી નું અંતર, 1500 ફુટની ખીણ
ગિરનાર રોપ-વે માં 9 ટાવર ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 5 અને 6 નંબરનાં ટાવર વચ્ચે 1 કિ.મી નું અંતર છે. એટલું જ નહીં આ બંને ટાવર વચ્ચે 1500 ફુટની ઉંડાઇ છે.

મોદી બે વખત બોલ્યા હતા 9 નવેમ્બરે રોપ-વે શરૂ થશે
4 ડિસેમ્બર 2017નાં ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જૂનાગઢ આવ્યા હતા. જૂનાગઢમાં યોજાયેલી ચૂંટણી પ્રચારની સભામાં વડાપ્રધાને કહ્યું હતું કે, 9 નવેમ્બર 2018નાં ગિરનાર રોપ-વે શરૂ થશે. તેમની આ જાહેરાતનાં 34 મહિના બાદ આ પ્રોજેક્ટ શરૂ થઇ રહ્યો છે.

80 કિમીની ઝડપે ફુંકાતા પવનમાં પણ ઉડન ખટોલા ચાલુ રહી શકશે
ગિરનાર રોપ-વે અત્યંત આધુનિક ટેકનિકથી બનાવેલો છે. ગિરનાર ઉપર ખુબ જ તેજ હવા રહે છે. ત્યારે 80 કિમીની ઝડપે પવન ફુંકાશે. તેમાં પણ ઉડન ખટોલા શરૂ રહી શકે તેવી ક્ષમતા છે.

પ્રોજેક્ટની શરૂઆતમાં 80 પેસેન્જરની ટ્રોલીનું આયોજન હતું, હવે આઠ પેસેન્જરની 25 ટ્રોલી
રોપ-વે પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે 80 યાત્રિકો બેસી શકે તેવી મોટી કેબિન બનાવવાનો વિચાર હતો. પરંતુ ગિરનાર પર પવનની ઝડપ અને હાઇટને જોતા તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 8 યાત્રિકો બેસી શકે તેવી 25 ટ્રોલી તૈયાર કરવામાં આવી છે.

ટ્રોલી 1 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપશે, 7.28 મિનીટમાં તળેટીથી અંબાજી સુધી પહોંચશે
1 ટ્રોલી 1 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપશે અને 7.28 મિનીટની અંદર અપર સ્ટેશન(અંબાજી)થી લોઅર સ્ટેશન(તળેટી) સુધી પહોંચશે. 2 ટ્રોલી વચ્ચે 36 સેકન્ડનું અંતર રહેશે. 1 ટ્રોલી તેના બોટલમ સ્ટેશનેથી છુટ્યા બાદ 216 મીટર આગળ જશે. બાદ બીજી ટ્રોલી રવાના થશે.

રોપ-વે કોણ લાવ્યું તેની હરિફાઇ
​​​​​​​​​​​​​​ભાજપ

ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ શરૂ થઇ રહ્યો છે ત્યારે સોશ્યલ મિડીયા પર પ્રોજેક્ટને લઇ ભારે ચર્ચા જાગી છે. રાજકીય માહોલ બન્યો છે. કેટલાક લોકો આ પ્રોજેક્ટ માટે ભાજપનાં પૂર્વ ધારાસભ્ય અને હાલનાં કોર્પોરેટર મહેન્દ્રભાઇ મશરૂની મહેનતને જશ આપી રહ્યા છે. રોપ-વે માટે તેમણે સવા લાખ લોકોની લોહીથી સહી કરાવેલા પત્રો જે તે સમયે કેન્દ્ર સરકારને મોકલ્યા હતા. હાલ ભાજપ દ્વારા તેમને યાદ ન કરાતા તેમનાં સમર્થકો સોશ્યલ મિડીયામાં તેમનો પ્રચાર કરી રહ્યા છે.

કોંગ્રેસ
તો બીજી તરફ કોંગ્રેસે પણ આ પ્રોજેક્ટ સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું સોશ્યલ મિડીયામાં ચલાવાઇ રહ્યું છે. હાલ ભાજપમાં અને જે તે સમયનાં કોંગ્રેસનાં ગિરીશ કોટેચા, સતિષ વિરડા, સ્વ. પ્રવિણભાઇ ટાંક સહિતના લોકોએ આ પ્રોજેક્ટ માટે અહમદ પટેલ પાસેે રજુઆત કરી જયરામ રમેશજી પાસે ગિરનાર રોપ-વેની ફાઇલો આગળ ચલાવવા બાદ તેમણે ખુદ જ જૂનાગઢની મુલાકાત લીધી હોવાનો પ્રચાર થઇ રહ્યો છે.

Comments