આદિપુરના વકીલને ભચાઉ રજુ કરાયા, બે દિવસના રીમાન્ડ મંજુર
- એટીએસએ કોરોના ટેસ્ટ બાદ કાર્યવાહી આગળ ધપાવી
- ધારાશાસ્ત્રીના પત્ની સહિતના વકીલોએ અને એટીએસના પીએસઆઈએ કરી દલીલો
ભચાઉ. એટીએસની ટીમે નિયમાનુસારની કોરોના ટેસ્ટ કર્યા બાદ ધારાશાસ્ત્રી જોશીને ભચાઉમાં ન્યાયાધીશના ઘરે રજુ કરાયા હતા. જ્યાં તેમના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.આદિપુરમાં નિવાસસ્થાનેથી સંકુલના જાણીતા ધારાશાસ્ત્રી દિલીપ જોશીને ચાર દિવસ અગાઉ ગુજરાત એટીએસની ટીમે 3 કરોડના એટીએમ પ્રકરણ કેસમાં ઉઠાવી લીધા બાદ અમદાવાદમાં નિયમાનુસાર અટક પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે નેગેટીવ આવતા રવિવારે ન્યાયાધીશ એમ. આર. ઠક્કરના ઘરે તેમને રજુ કરવામાં આવ્યા હતા.
જ્યાં એટીએસ તરફથી પીએસઆઈ રાઠોડ અને પીએસઆઈ ઓડેદરાએ 10 દિવસના રિમાન્ડ સાથેની દલીલો રજુ કરી જણાવ્યું હતું કે જે ફીસ પેટે 5 લાખ રુપીયા ધારાશાસ્ત્રીને અપાયા છે, તે રિકવર કરવા અને કેસની માહિતી જેમાં સંગ્રહીત છે તે બે સીપીયુ બાડમેરમાં છે. તેને લઈ આવવા રીમાન્ડ અપાય. તો સામા પક્ષે ધારાશાસ્ત્રી દીલીપ જોશી તરફથી તેમના પત્ની હર્ષાબેન જોશી, હેતલકુમાર સોનપાર, પ્રતિક અંજારીયા સહિતના વકીલો દલીલો કરી હતી. અંતે બે દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. ભચાઉમાં આ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન વકીલો સહિતના લોકોની ભીડ સ્થળ પર એકત્ર થઈ ગઈ હતી.
ભચાઉ સીવાયના ગાંધીધામ એ, બી ડીવીઝન, અંજાર અને આદિપુર એમ ચાર પોલીસ મથકોએ આ કેસની ફરિયાદ થવા પામી છે ત્યારે તે ચારેય માટે પણ ધારાશાસ્ત્રીએ આગોતરાની માંગ કરી દીધી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જે અંગે આગામી દિવસોમાં ન્યાયાલય સુનાવણી કરશે તેવું જાણકાર વર્તુળોએ કહ્યું હતું.
Comments
Post a Comment