વતન વાપસી પૂર્વ કચ્છથી 20 દિવસમાં 23 ટ્રેન થકી 23 હજારથી શ્રમિકોને ઘરે પહોંચાડાયા

ગાંધીધામ. સામાન્ય રીતે સમાજમાં સરકારી નોકરી માટેનું આકર્ષણ ઓછુ કામ અને આર્થિક સુરક્ષાના કારણે રહેતું હોય છે, પણ બદલાતી પરિસ્થીતિઓએ અન્ય આયામોને પણ સમાજ સમક્ષ ખુલવા માટે મજબુર કર્યા છે. કોરોના મહમારી સમયે સૌથી વધુ દબાણમાં સરકારી વિભાગોએ એક ધારુ કાર્ય કર્યું છે. માત્ર શ્રમિકોને તેમના વતન મોકલવાની મુવમેન્ટ પુરતુ પણ ધ્યાન અપાય તો ધ્યાને આવે છે કે પુર્વ કચ્છથી ગત 20 દિવસમાંજ 23 ટ્રેનો મારફત 23 હજારથી વધુ શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા છે.

આ સમગ્ર કામગીરીમાં સરકારના વિવિધ ઘટકોએ પોતાનું યોગદાન આપ્યું અને 24 કલાક સક્રિય રહ્યા ત્યારે આ શક્ય બની શક્યું હોવાનું અંજાર એસડીએમ વીમલ જોશીએ જણાવ્યું હતું.રાષ્ટ્રભરમાં લોકડાઉનના કારણે અટવાયેલા અને પગપાળા નિકળી પડેલા શ્રમિકોનો મુદો બહાર આવતા સરકાર દ્વારા સ્પેશિયલ શ્રમિક ટ્રેનની સુવિધા શરુ કરાઈ હતી.

જેમાં પૂર્વ કચ્છ, ખાસ કરીને ગાંધીધામ અને અંજાર તાલુકામાં વસેલાં હજારો પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન મોકલવા જિલ્લા વહીવટી તંત્રએ અને ગાંધીધામ રેલવે પ્રશાસને જહેમત ઉઠાવી 23 જેટલી ટ્રેન મારફત અંજાર અને ગાંધીધામ તાલુકાના 23,555જેટલા શ્રમિકોને પોતાના વતન મોકલ્યા હતા. આ સમગ્ર ગતીવીધી સમાહર્તા પ્રવિણા ડી.કે. ના માર્ગદર્શન હેઠળ અને અંજારના પ્રાંત અધિકારી ડો. જોષી,પુર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડના સુપરવિઝન હેઠળ સ્વેચ્છીક સંસ્થાઓના સહયોગથી કરાયું હતું.

આટલા વિભાગોએ એક સાથે આવીને કામોને આપ્યો અંજામ
શ્રમિકોની નોંધણી ગાંધીધામ અને અંજાર મામલતદાર કચેરી ખાતે કરવામાં આવી હતી. મજુરોના ટોળે-ટોળા, કોરોનાની અન્ય કામગીરીના ભારે દબાણ હેઠળ પણ મામલતદાર ચિરાગ હીરવાણીયા તથા એફઝલ મંડોરીની ટીમ દ્વારા દરેક 23 હજારથી વધુ શ્રમિકોની નોંધણી કરવી, કુપન ઈસ્યુ કરવી, મેડીકલ સ્ક્રીનીંગ કરાવવું, ટીકીટની વ્યવસ્થા કરવી, રેલ્વે પ્રસાશન સાથે સંકલન કરવું, શ્રમિકોને તેમના ઘેરથી રેલવે સ્ટેશન સુધી પહોંચાડવા અને સ્ટેશન પરથી જ તમામને ફુડપેકેટ તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવા સહિતનું કામ કર્યું હતું. તો આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા હેલ્થ ઓફીસર સુતરીયા, અંજારીયાની આગેવાની હેઠળ મેડિકલ ટીમ દ્વારા તમામ શ્રમિકોનું મડીકલ ચેક અપ કરી હેલ્થ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા.

પોલીસ વિભાગ દ્વારા ડીવાએસપી વાઘેલા અને બી ડિવીઝન પોલીસ, રેલવે પોલીસ દ્વારા શ્રમિકોમાં સોશ્યલ ડીસ્ટન્સ રાખીને બેસાડવા, નગરપાલિકા અને તાલુકા પંચાયત દ્વારા વ્યવસ્થાઓ, રુટ, સુચનાઓ સબંધીત કામગીરી, રેલવે પ્રશાસન દ્વારા એઆએમ આદિશ પઠાણીયા અને ટીમ દ્વારા ટીકીટની વ્યવસ્થા, સેનેટાઈઝેશન સહિતના કાર્યોને અંજામ આપ્યું હતું. સ્વેચ્છીક સંસ્થાઓ દ્વારા તમામ પ્રવાસીઓને ખાધ સામગ્રી, પીવાનું પાણીની વ્યવસ્થા માટે આર.એસ.એસ. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, ભારત વિકાસ પરિષદ સહિતના સંગઠનોએ દાન આપ્યું હતું.

Comments