અનલોક-1 કચ્છમાં આવતા સોમવારથી ધાર્મિક સ્થળો, મોલ, રેસ્ટોરેન્ટ, ખાણીપીણીની દુકાનો ખુલશે






  • 30મી સુધી રાત્રે 9થી સવારના 5 સુધી આવશ્યક સેવા સિવાય લોકોની અવર-જવર પર પ્રતિબંધ
  • ઓડ-ઇવનમાંથી મુક્તિ : ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 8થી 8 તો 6 શહેરોમાં 8થી 7 દુકાનો ખુલશે

  • ભુજ. લોકડાઉન ફેઝ-5 અન્વયે સમગ્ર જિલ્લામાં સોમવારથી દુકાનોને ઓઇ-ઇવન પદ્ધતિની પળોજણમાંથી મુક્તિ અપાઇ છે. વધુમાં જિલ્લાના પાલિકા વિસ્તારમાં સવારે 8થી 7 અને ગ્રામ્ય વિસ્તારોમાં એક કલાક વધારીને સવારે 8થી 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. તો વળી તા.8/6થી ધાર્મિક સ્થળો, મોલ, હોટલ, રેસ્ટોરેન્ટ અને ખાણીપીણીની દુકાનો ખુલશે.

    લોકડાઉન ફેઝ-4માં શહેરી વિસ્તારો સહિત સમગ્ર કચ્છમાં દુકાનોનો સમય સવારે 8થી સાંજે 4 વાગ્યાનો કરાયો હતો, જેને લઇને સમગ્ર કચ્છના વેપારીઓમાં વિરોધ જોવા મળ્યો હતો. જિલ્લા મથક ભુજ સહિત જિલ્લાના વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખવા અંગે સમય વધારવામાં આવે તેવી રજૂઆતો કરાઇ હતી. લોકડાઉન ફેઝ-5માં મળેલી વિશેષ છૂટછાટ મુજબ હવેથી જિલ્લાના વેપારીઓને ઓડ-ઇવન (એકી-બેકી) પદ્ધતિમાંથી મુક્તિ અપાઇ છે. નગરપાલિકા વિસ્તાર જેવા કે, ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, રાપર, ભચાઉમાં સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધી તો વળી ગ્રામ્ય વિસ્તારોમાં એક કલાક વધારીને સવારે 8થી 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહી શકશે.

    આગામી તા.30/6 સુધી લોકડાઉન-5 અમલી રહેશે, જે મુજબ રાત્રે 9થી સવારના 5 વાગ્યા સુધી આવશ્યક, મેડિકલ અને આરોગ્ય સેવા સિવાય વ્યક્તિગત અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે એમ જિલ્લા સમાહર્તા પ્રવીણા ડી.કે. દ્વારા તા.31/5ના લોકડાઉન ફેઝ-5 અન્વયે બહાર પાડેલા જાહેરનામા અન્વયે જણાવાયું છે.

Comments